Monday 14 May 2018

સૂર્ય- એક અદભૂત રચના- Rahul04

થોડુંક જાણીએ આપણાં સૂર્ય વિશે....



          લગભગ ૪.૫૬૮ ખર્વ વર્ષો પૂર્વે વિશાળ આણ્વીય વાદળના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ થવાથી સુર્યમંડળની ઉત્પત્તિ અને પછી ઉત્ક્રાંતિ થઇ. મોટા ભાગનું ભંગાણ પામેલ દ્રવ્ય કેન્દ્રમાં ભેગું થઈને સૂર્યની રચના થઇ. તેથી જ સૂર્ય સમગ્ર સૂર્યમંડળનું ૯૯.૮૬ % દળ ધરાવે છે. જ્યારે બાકી રહેલું 0.૧૪ % દળ કક્ષાઓમાં પથરાઈ જવાથી બધા ગ્રહો,ઉપગ્રહો,લઘુગ્રહો,ઉલ્કાઓ અને ધૂમકેતુની રચના થઇ.


          સૂર્યનો વ્યાસ(ડાયામીટર) લગભગ ૧૩,૯૧,૦૧૬ કિમી છે. જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ ૧0૯ ગણો થાય.

       સૂર્યનું દળ ૧૯૭૨000000000000000000000000 મેટ્રિક ટન જેટલું છે જે પૃથ્વીના દળ કરતાં ૩,૩0,000 ગણું થાય એટલેકે ત્રાજવાનાં એક પલ્લામાં સૂર્ય મુકો અને બીજા પલ્લામાં ૩,૩0,000 પૃથ્વી મુકો ત્યારે તોલમાપ સરખો બેસે.

           સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં ૨૮ ગણું છે. એટલે કે, સૂર્ય પર તમારું વજન પૃથ્વી કરતાં ૨૮ ગણું થાય.

        -સૂર્યનાં ગર્ભમાં દર સેકન્ડે ૬૨૦ મિલિયન ટન (૬,૨0,00,00,00,000 કિગ્રા) હાઈડ્રોજનનું હિલીયમમાં રૂપાંતરણ થાય છે, આ રૂપાંતરણ દરમિયાન તે વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરે છે. આથી જ સૂર્યના ગર્ભનું તાપમાન ૧.૫ કરોડ સેલ્સિયસ જેટલું છે. ગર્ભથી સપાટી તરફ જતા આ તાપમાન ઘટીને ૫૭૨૭ સેલ્સિયસ જેટલું થાય છે. ( આ પણ જાણો : લોખંડ ૧૫૩૮ સેલ્સિયસ તાપમાને પીગળે છે અને ૨૮૬૨ સેલ્સિયસ તાપમાને વરાળ બને છે, હાડકું લગભગ ૧૬૭૦ સેલ્સિયસ તાપમાને પીગળે છે)

        સૂર્ય આપણી પૃથ્વીથી ૧૪,૯૬,00,000 કિમી દુર આવેલો છે તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો શૂન્યાવકાશમાં ૧ સેકન્ડમાં ૩,00,000 કિમી અંતર કાપે છે. આ હિસાબે પ્રકાશના કિરણો ને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતા માત્ર  ૮ મિનીટ ૨0 સેકન્ડ જેટલો જ સમય લાગે છે.

      ચંદ્રની સપાટી સૂર્યના કિરણોનું પરાવર્તન કરે છે તેથી જ ચંદ્ર પ્રકાશિત દેખાય છે. ચંદ્ર પરથી પરાવર્તન પામતો પ્રકાશ માત્ર ૩ થી ૧૨ % જેટલો જ હોય છે, બાકીનો બધોજ પ્રકાશ ચંદ્રની સપાટી પર શોષાઈ જાય છે.

          સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ  પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે, જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. વળી, આ ક્રિયામાં ઓક્સીજન વાયુ મુક્ત થાય છે જે આપણાં જીવન માટે અનિવાર્ય છે.

          પવન ફુંકાવો, પાણીનું બાષ્પીભવન થવું, વરસાદ પડવો વગેરે પણ સૂર્યની જ દેણ છે.આમ, ખરું જોતા તો સૂર્ય વગર જીવન શક્ય જ નથી. એટલે જ કદાચ વેદ-પુરાણોમાં સૂર્યને દેવ કહ્યો છે. હવે, આપણને પણ કોઈ પૂછે કે કોઈએ ભગવાન જોયા છે? તો કહી દેજો હા જોયા છે, દરરોજ જોવું છું.... આપણાં સૂર્યદેવ....


No comments:

Post a Comment