Wednesday 23 May 2018

ખામી કે ખૂબી Rahul06

13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.
- શૈલેષ સગપરિયા

No comments:

Post a Comment