Thursday 5 July 2018

પરફેક્ટ Rahul08


પરફેક્ટ

એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, “આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.”
સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, “આજે રોટલી હું બનાવીશ.” બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો.
ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મૂંઝાયા કે ગુરુજી ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, “પરફેક્ટ.”
હવે ના રહેવાયું એટલે એક શિષ્યએ પૂછ્યું, “ગુરુજી, આમાં પરફેક્ટ જેવું શું છે ?” ગુરુએ હસતાં હસતાં કહ્યું, “હું રાહ જ જોતો હતો તારા પ્રશ્નની. માત્ર કોરો લોટ ખાઈએ તો ગળે ના ઊતરે અને પાણી નાંખીને પછી ખાઈએ તો ગળે ચોંટી જાય. આવું ના થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતારીને પેટમાં જાય એટલે એને શેકીને ખાવાની શરૂઆત થઈ. આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય અને આપણી આ માન્યતાને કારણે જ આકાર વગરની, ત્રિકોણ કે ચોરસ રોટલી પૂરતી શેકાયેલી હોવા છતાં આપણને પરફેક્ટ લાગતી નથી.”
ઘણીવાર આપણને એવું લાગે છે કે આ પરફેક્ટ નથી કારણ કે એ આપણી પરફેક્ટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે એ વિચારતા જ નથી કે મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ હોઈ શકે પેલી ગોળ રોટલીની જેમ !

Wednesday 4 July 2018

સાધુ Rahul07


સાધુ

વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.

સંકલન- તુષાર સોની